- રૂા.૫૦ હજારનું પાંચ ટકા વ્યાજ નિયમિત ચૂકવવા છતાં પૈસા રાખવા હોય પેનલ્ટી ચાર્જ પણ ચૂકવવો પડશે કહી પૈસાની માંગણી
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 26 જૂન 2019, બુધવાર
પાંચ ટકાના વ્યાજે રૂ.૫૦,૦૦૦ લેનાર વરાછાના ટ્રાવેલ્સ સંચાલક પાસે પઠાણી ઉઘરાણી કરતા ફાઇનાન્સરે રૂ.૫૦,૦૦૦ રાખવા હોય તો પેનલ્ટી ચાર્જ ચૂકવવો પડશે તેમ કહી પોતાના ત્રણ સાગરીતો સાથે મળી ટ્રાવેલ્સ સંચાલકને માર માર્યો હતો. તે દરમિયાન ટ્રાવેલ્સ સંચાલકના રૂ.૭૭૦૦ પણ પડી ગયા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મુળ અમરેલીના સાવરકુંડલાના વડાગામના વતની અને સુરતમાં વરાછા મારૂતી ચોક પાસે નીલકંઠ સોસાયટી ઘર નં. ૯૭ માં રહેતા ૨૮ વર્ષીય જીગ્નેશભાઈ જનકભાઈ મેણીયા ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. તેમણે ફાઇનાન્સર રમેશ રબારી પાસેથી પાંચ ટકાના વ્યાજે રૂ.૫૦,૦૦૦ લીધા હતા અને તેનું દર મહિને રૂ.૨૨૫૦ વ્યાજ ચૂકવતા હતા. જોકે, છેલ્લા ત્રણ મહિનાથી ફાઇનાન્સર રમેશ રબારી ફોન કરી કહેતા હતા કે તમારે રૂ.૫૦,૦૦૦ રાખવા હોય તો તેનો પેનલ્ટી ચાર્જ પણ ચૂકવવો પડશે. તેમ કહી તે પઠાણી ઉઘરાણી કરતા હતા.
આ મામલે વાત કરવા જીગ્નેશભાઇને કાલે રાતે આઠ વાગ્યે વરાછા પરિમલ સોસાયટી નજીક પાણીના પ્લાન્ટ પાસે બોલાવ્યા હતા. રમેશ રબારીએ તેના ત્રણ સાગરીત સાથે આવી કરેલી પૈસાની માંગનો ઇન્કાર કરાતા જીગ્નેશભાઇને તમામે મળી માર મારવાનું ચાલુ કર્યું હતું. તેમણે બુમાબુમ કરતા તમામ ભાગી ગયા હતા. ઝગડા વેળા જીગ્નેશભાઇના રૂા.૭૭૦૦ પણ પડી ગયા હતા. તેમના ભાઇએ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડયા બાદ આ અંગે વરાછા પોલીસ મથકે ફરિયાદ કરાતા રમેશ રબારી અને ત્રણ સાગરીતો સામે ગુનો નોંધાયો છે.
Comments
Post a Comment